Description
આ શ્રેણી વિષે:
જીવન સીધી લીટીમાં નથી ચાલતું. કયારેક કોઇના જીવનમાં એવો પણ સમય આવે કે તે મહત્ત્વની પરીક્ષામાં ફેલ થાય, જેના માટે વરસો મહેનત કરી હોય તે કારકિર્દીમાં મેળ ન પડે કે અચાનક બીમારી કે બીજી કોઈ તકલીફથી કારકિર્દીમાં ઓટ આવે, નોકરી છૂટી જાય, ધંધો જામે નહીં કે જામેલા ધંધામાં દેવાળું ફૂંકાય – કંગાળ થઇ જવાય, જેને દિલથી ચાહ્યા હોય તે બેવફા નીવડે… ટૂંકમાં `બારે વહાણ ડૂબી જાય’ ત્યારે શું કરવું?
આવી પરિસ્થિતિનો સામનો કરવાના ત્રણ રસ્તા છે. એક, આત્મહત્યા, જે ફક્ત કાયરોનું કામ છે. બીજુ, હરિ ઇચ્છા સમજી કે નસીબને દોષ આપી બેસી રહેવું અને ત્રીજુ, હાર ન માનવી – લડી લેવું અને આખરે દુનિયા જોતી રહે તેવું `કમબેક’ કરવું. આ શ્રેણી આ ત્રીજા માર્ગના મુસાફરોની સત્યઘટનાઓની વાત કરે છે.
આ શ્રેણી અનેક રીતે અનોખી છે અને પુષ્કળ રીસર્ચ કરી લખવામાં આવી છે. ક્યારેક એવું પણ બન્યું છે કે કોઈ એક વિભૂતિના કમબેક અંગે બે પાના લખવા માટે તેની બસ્સો પાનાની બાયોગ્રાફી વાંચી હોય. આ માત્ર પ્રેરણાત્મક વાર્તાઓના પુસ્તકો નથી પણ ખરેખર જીવાયેલા જીવનનો ચિતાર છે.
આ તમામ જીવનારા અને જીતનારાઓને સરળતા ખાતર તેમના ક્ષેત્ર મુજબ જુદા જુદા પુસ્તકોમાં સમાવાયા છે પરંતુ તમામ પુસ્તકોમાં લઘુત્તમ સાધારણ હકીકત એક જ છે અને તે છે – કમબેક! તમને જે તે ક્ષેત્રમાં રસ ન હોય તો એ પુસ્તક તમારા માટે નકામું નથી કેમકે વાત રમતની હોય કે ધંધાની, વિજ્ઞાનની હોય કે કલાની, સાહસની હોય કે રાજનીતિની, આપણે તો એ જાણવાનું છે કે જાદુ બધે ચાલે છે.
Reviews
There are no reviews yet.